ખંભાતની વિશિષ્ટતાઓ

(૧) માદળા તળાવ :- 
ખંભાત શહેરની પૂર્વ દિશામાં માદળા તળાવ આવેલું છે. જેની દક્ષિણ બાજુએ બગીચો આવેલ છે. કિનારા ઉપર મહાકાળેશ્વર મહાદેવ, રણછોડજી મંદિર, રામ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર વિગેરે મંદિરો આવેલા છે. શહેરની મધ્યમાં આ તળાવ આવેલ હોવાથી સાંજના સમયે તથા તહેવારોના દિવસે શહેરીજનો ફરવા આવે છે.
ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક :- નપલ/૪૫૯૩/એમએલએ/૧૨/મ તા. ૧૫-૦૯-૧૯૯૩ના હુકમથી સીટી સર્વે નંબર ૩/૩૨૪૬ વાળી જમીન "માદળા તળાવ" તરીકે આવેલ છે જેનું ક્ષેત્રફળ ૬૭૨૨૫-૯૫-૩૧ ચોરસ મીટર જમીન તે પૈકી ૧૭૮૩-૪૬-૫૩ ચોરસ મીટર જમીન હેતુ ફેર કરેલ છે.

(૨) જૈન દેરાસરો :- 

જૈન ધર્મે ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં અમૂલ્ય ફાળો આપેલો છે. ખંભાત જૈનપૂરી અને યાત્રાનું ધામ હોવાથી લગભગ બધા જ ગચ્છના આચાર્યોએ ખંભાતને પાવન કરેલું છે. જૈન ધર્મની કિર્તિને વિશેષ ઉજ્જવળ કરનાર શ્રીમદ હેમચંદ્રાચાર્યે ખંભાતમાં જ દિક્ષા લીધી  હતી. જેઓએ સાડા ત્રણ કરોડ શ્લોકોનો ગ્રંથ બનાવેલ છે. ગુજરાતી સાહિત્યમાં સિદ્ધહેમ જેવુ વ્યાકરણના રચિતા શ્રીમદ હેમચંદ્રાચાર્યની  કર્મભૂમિ એવા ખંભાતમાં ૭૫ થી વધારે જિનાલયો આવેલા છે. આ જિનાલયોમાં સમગ્ર ભારત વર્ષમાથી તેમજ વિદેશથી જૈન યાત્રાળુઓ  આવે છે.

(૩) સ્વામિનારાયણ મંદિર :- 

ખંભાત સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું તીર્થધામ છે. ખંભાતની ભાવિક પ્રજાને શ્રી સ્વામીનારાયણ ભગવાનના પ્રથમ દર્શન કરવાનો લાભ વિક્રમ સંવત ૧૮૫૫માં મળ્યો ઈ.સ. ૧૮૮૪ની સાલમાં મહારાજશ્રી ત્રીજી વખતે ખંભાત પધાર્યા તે વખતે હરિભક્તોની ભાવનાને અનુમોદન આપતા પોતે પહેલા આગમન વખતે આપેલી ભગવાન હરિક્રુષ્ણની મૂર્તિ પધરાવવાની આજ્ઞા કરી અને તેમની સાથે રહેલા સ્વામી શ્રી ગોપાળાનંદ તથા નિત્યાનંદ સ્વામી એ વિક્રમ સંવત ૧૮૮૪ ની સાલમાં અમે નાનકડા ધર આકારના મંદિરમાં મૂર્તિની સ્થાપના કરી જ્યાં વિશાળ મંદિર ૧૯૩૨માં બન્યું ત્યારબાદ ભક્તજનો વધતાં નવિન મંદિર વિ.સંવત ૧૯૬૯ માં બાંધવામાં આવ્યું.

(૪) ભૈરવનાથની વાવ :- 

ગવારા દરવાજાથી આગળ વોરવાડ જતાં ભૈરવનાથની પ્રસિદ્ધ વાવ આવેલ છે. જે વાવ ૩૨૫ વર્ષ પહેલા ખંભાતના શ્રીગોડ બ્રાહમણ રાજદેવ સમ્રાટે બંધાવ્યાની હકીકત મળે છે. વાવની અંદર ભૈરવનાથની મૂર્તિ છે. આ વાવ ઘણી વિશાળ છે.

(૫) નારેશ્વર તળાવ :-
આ તળાવ ખંભાતના વાયવ્ય ખૂણામાં આવેલું છે. તેની પૂર્વ બાજુએ શ્રી મહાપ્રભુજીની બેઠક, દક્ષિણ બાજુએ જાફરઅલી ખાન વોટર વર્ક્સ, પશ્ચિમે લાલબાગ અને ઉત્તરે રાજવંશોના મકાનો જેનું ક્ષેત્રફળ ૧૨૭૩.૫૦ ચો.વાર છે. પૌરાણિક કથા મુજબ નારદજીએ દર્ભની સળી વડે આ સરોવર ખોદયું હતું અને તામ્રપત્ર વડે માટી બહાર કાઢી સર્વે તીર્થોમાથી ઉત્તમ જળ લાવી તેમાં ભર્યું હતું. જેથી આ સરોવર નારદીય સરોવર કહેવાયું. કાળાંતરે આ નામમાં ફેરફાર થવાથી નારેશ્વર નામથી ઓળખાય છે.

(૬) બેઠક મંદિર :- 

નારેશ્વર તળાવ પૂર્વ કિનારે શ્રી ગુંસાઈજીની બેઠક આવેલી છે. આ સ્થળે શ્રી ગુંસાઈજી સંવત ૧૬૧૩થી બેઠક નક્કી થયેલ છે. મંદિરના નિયમ મુજબ ત્યાં નિત્ય લીલાઓ થાય છે. આ બેઠક શ્રીનાથજી ના તાબાની ગણાય છે. ત્યાંના પ્રતિનિધિ હાર વર્ષે અહી આવી વ્યવસ્થા જોઈ જાય છે. વૈષ્ણવો નિત્ય દર્શને જાય છે.

(૭) ગાંગડીયું તળાવ :- 

શહેરની ઉત્તરે આવેલા ગાંગડીયા તળાવની શોભા તળાવની આસપાસ આવેલા તાડના વૃક્ષોથી અનેરી લાગે છે. અમદાવાદ તરફથી ખંભાત આવતા માર્ગમાં આ વૃક્ષો રડીયામણા લાગે છે.

(૮) બ્રહ્માજીનું મંદિર :- 
શ્રી બ્રહ્માજીનું સ્વતંત્ર મંદિર નગરામાં છે. બ્રહ્માજીની મૂર્તિનો પથ્થર આબુથી આવેલ છે. તેમ વિધ્વાનો માને છે. બ્રહ્માની મૂર્તિ આરસની મનુષ્યના કદ જેટલી અને ઉત્તમ છે. બ્રહ્માને ચાર મુખ છે. જટા મુકુટ છે, લાંબી દાઢી અને ચાર હાથ છે. એક હાથમાં સવેલ, બીજા હાથમાં માળા, ત્રીજા હાથમાં માપ દંડ (ગજ), ચોથા હાથમાં કમંડળ છે. બ્રહ્માના પરિવાર દેવોમાં તેમની બે પત્નીઓ સાવિત્રી (બ્રહ્માણી) અને સરસ્વતી છે. તે પણ મોટા કદની છે. તેમના હાથમાં કમળ અને કમંડળ આપવામાં આવેલ છે. મૂર્તિઓ સુંદર અને નમૂનેદાર છે. 
             સૂર્યમંદિરમાં બ્રહ્મા-સાવિત્રી યુગલ પ્રતિમા છે. કેટલીક જ્ઞાતિમાં નવા પરણેલા વરઘોડિયા નગરા બ્રહ્મા સાવિત્રીના મંદિરે પગે લાગવા જાય છે. ગુજરાતમાં ખેડબ્રહ્મા અને નગરાની બ્રહ્માની મૂર્તિમાં સામ્યતા છે. મૂર્તિના સ્વરૂપો એક સરખા અને મનમુગ્ધ કરે એવા છે. મુખ ઉપરના ભાવ સુંદર છે.

(૯) જુમ્મા મસ્જિદ :- 

ખંભાત શહેરના દરિયા તરફના કોર્ટની પાસે આવેલ છે. મસ્જિદના લેખમાં જણાવ્યા મુજબ હીજરી સંવત ૭૨૫ના મોહર્રમ માસની ૧૮મી તારીખ(ઈ.સ.૧૩૨૫) જાન્યુઆરીમાં મહંમદ અલબુ તમારીએ બાદશાહ મહંમદ તધલખના કાળમાં બંધાવેલ છે. મસ્જિદની બાંધણી અને તેનું કોતરણી કામ જોવા માટે ભારત વર્ષ તથા દુનિયામાથી મુસ્લિમ સમાજના યાત્રાળુઓ આવે છે. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે આ સ્થાપત્યને રાષ્ટ્રીય સુરક્ષા સમારક તરીકે જાહેર કરેલ છે.

(૧૦) વડવા આશ્રમ :- 

પૂજ્ય મહાત્મા ગાંધી જેમને પોતાના ગૂરૂ માનતા હતા તેવા શ્રીમદ રાજચંદ્ર દ્વારા વિક્રમ સંવત ૧૯૭૨માં સ્થપાયેલ વડવા તીર્થ ક્ષેત્ર આવેલું છે જેની મુલાકાતે ભારત વર્ષમાંથી યાત્રાળુઓ આવે છે.

(૧૧) શહેરની અન્ય વિશિષ્ટ બાબતો:-
(૧) વર્ષોથી ખંભાત દુનિયાભરમાં હલવાસન,સુતરફેણી અને સુકાભજીયા જેવી વાનગી પ્રખ્યાત છે. જેનો સ્વાદ માણવાનું દુનિયાભરના ગુજરાતીઓ ચુકતા નથી.
(૨) ખંભાતનો મુખ્ય ગૃહ ઉધ્યોગ અકીકનો છે અને અકીકના પથ્થરમાંથી બનાવેલ ઘરેણા તેમજ વિવિધ ચીજ વસ્તુઓનું બજાર ખંભાતમાં છે.
(૩) ગ્રહોના રત્નો અને ઝવેરાત તથા વિવિધ આભુષણ ખરીદવા માટે પણ દેશભરમાંથી લોકો ખંભાત આવે છે. માહીતી સંદર્ભ ગ્રંથ ખંભાતનું સાંસ્ક્રુતિક દર્શન.
 

         લેખક : નર્મદાશંકર ત્રંબકરામ ભટ્ટ.

નોંધ :-ઉપરોક્ત વિગતો "ખંભાતનો ઇતિહાસ" પુસ્તકના આધારે લખી છે.